નિપુણ ગુજરાત અભિયાન (NIPUN Gujarat Mission) લેખ - 2
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP 2020) માં પાયાની
સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર ભાર મૂકવામાં આવેલ છે. જેના માટે ભારત સરકાર દ્વારા NIPUN BHARAT મિશનની
રાષ્ટ્રીય પહેલ શરૂ કરવામાં આવી. નિપુણ ભારતના વિઝનને સાકાર કરવાના
ભાગરૂપે તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૨૮-૨૯
સુધી ત્રિવર્ષીય ‘નિપુણ ગુજરાત અભિયાન’ ની જાહેરાત કરવામાં આવી છે. સાંપ્રત સમયમાં
જ્યારે ડિજિટલ યુગના આક્રમણ વચ્ચે પ્રાથમિક શાળાના બાળકોમાં પાયાના કૌશલ્યો નબળા
પડવાના પડકારો સામે આવી રહ્યા છે,
ત્યારે પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN) ને શિક્ષણ વ્યવસ્થાનો મજબૂત આધારસ્તંભ બનાવવાની આ એક સમયસરની અને આવશ્યક
પહેલ છે. આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનનો ખરો યશ અને તેની સફળતાનો સંપૂર્ણ દારમદાર
વર્ગખંડના વાસ્તવિક ઘડવૈયા એવા પ્રાથમિક શાળાના શિક્ષકો પર રહેલો છે. કોઈપણ
શૈક્ષણિક નીતિ કાગળ પર ગમે તેવી ઉત્કૃષ્ટ હોય, પણ જ્યાં સુધી
શિક્ષક તેને હૃદયપૂર્વક સ્વીકારીને પોતાના દૈનિક શૈક્ષણિક કાર્યમાં વણી ન લે ત્યાં
સુધી તે પરિણામલક્ષી બની શકતી નથી. આથી, આ ઠરાવના આદેશોને
સમજીને વર્ગખંડમાં તેની સચોટ અમલવારી કરવી એ આજના સમયમાં દરેક શિક્ષક માટે
સર્વોચ્ચ ફરજ બની રહે છે.
આ અભિયાન અંતર્ગત શિક્ષકે
શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જ પોતાના વર્ગખંડ માટે એક સુદ્રઢ વાર્ષિક FLN કાર્યયોજના (Action
Plan) તૈયાર કરવાની રહેશે. સાંપ્રત શૈક્ષણિક તરાહ મુજબ બેઝલાઇન,
મિડલાઇન અને એન્ડલાઇન એસેસમેન્ટ માટેની કસોટીઓ રાજ્યસ્તરથી નિયત
થઈને આવે તે સ્વાભાવિક છે, પરંતુ શિક્ષક તરીકે આપણે માત્ર આ
સત્રાંત કસોટીઓ પર જ નિર્ભર ન રહેતાં વર્ગખંડ કક્ષાએ બાળકોની શૈક્ષણિક પ્રગતિની
ચકાસણી સતત અને અવિરતપણે કરતા રહેવી પડશે. અગાઉના પરંપરાગત વાચન, લેખન અને ગણનના શૈક્ષણિક અભિયાનોમાં પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓને આપણે 'પ્રિય બાળકો' થી ઓળખતા હતા; પરંતુ
આ બદલાતા શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં હવે સિદ્ધિ આધારિત વૈજ્ઞાનિક માપદંડો દ્વારા
બાળકોનું ત્રણ સ્પષ્ટ જૂથમાં વર્ગીકરણ કરવામાં આવશે. જેમાં ટ્રેકરના વિધાનોના
આધારે ૦ થી ૩૦ ટકા વિધાનોની સિદ્ધિ ધરાવતા બાળકો ‘ઉદયમાન’ કેટેગરીમાં, ૩૧ થી ૭૯ ટકા વિધાનોની સિદ્ધિ મેળવનારા બાળકો ‘પ્રગતિશીલ’ કેટેગરીમાં અને
૮૦ ટકા કે તેથી વધુ વિધાનોની સિદ્ધિ સાથે અપેક્ષિત સ્તર હાસલ કરનારા બાળકો ‘નિપુણ’
કેટેગરીમાં સ્થાન પામશે. આપણા આ રાષ્ટ્રીય મિશનનો આખરી ઉદ્દેશ્ય જ એ છે કે
પ્રત્યેક બાળક પોતાના વય-જૂથ અનુસારના નિયત લર્નિંગ આઉટકમ્સ (LO) એટલે કે શૈક્ષણિક ક્ષમતાઓમાં સર્વાંગી નિપુણતા પ્રાપ્ત કરે. આ ધ્યેયને
સાકાર કરવા માટે શિક્ષકે સતત મૂલ્યાંકન (Continuous Assessment) ની પ્રક્રિયા અપનાવીને આ ત્રણેય કેટેગરીના બાળકોની જરૂરિયાત અનુસારની
અલગ-અલગ અને વિશિષ્ટ શૈક્ષણિક વ્યૂહરચનાઓ હાથ ધરવી પડશે. પ્રથમ ત્રિમાસિક ગાળા
દરમિયાન ચાલનારા ૫૫ દિવસના વિશેષ 'નિપુણ કેમ્પેઇન' થી માંડીને વર્ષાંત સુધી સતત ઉપચારાત્મક શિક્ષણ (Remedial Support)
અને સ્તર મુજબના સઘન આયોજન દ્વારા જ દરેક બાળકને 'નિપુણ' સ્તર સુધી લાવવા માટે તમામ શિક્ષકે રોજેરોજ
સઘન અને પરિણામલક્ષી પુરુષાર્થ કરવો પડશે.
આજના આધુનિક યુગમાં ગોખણપટ્ટી
આધારિત પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓ હવે અપ્રસ્તુત થઈ ચૂકી છે, તેથી ઠરાવમાં પણ
ક્ષમતાલક્ષી અને પ્રવૃત્તિ-આધારિત શિક્ષણ (Competency Based Learning) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષકોએ વર્ગખંડમાં રમત-ગમત, વાર્તા વાંચન, કાવ્યગાન, પપેટ
શો અને સ્થાનિક સંસાધનોમાંથી બનાવેલા શૈક્ષણિક રમકડાં (TLM) નો
મહત્તમ ઉપયોગ કરીને બાળકકેન્દ્રી વાતાવરણ ઊભું કરવું પડશે. આ ઉપરાંત, શિક્ષણને માત્ર ચાર દીવાલો વચ્ચે સીમિત ન રાખતા, સામુદાયિક
ચેતના જગાવવા માટે ઠરાવમાં સૂચવેલી સામાજિક પહેલો જેવી કે "મારું બાળક - નિપુણ બાળક"
અંતર્ગત શાળામાં 'માતા જૂથ' ની રચના
કરવી, દર પંદર દિવસે વાલીઓ સાથે શૈક્ષણિક સંવાદ સાધવો અને
ઘરેલું શિક્ષણ (Home-based learning) માટે માતાઓને પ્રેરિત
કરવી એ પણ શિક્ષકની મુખ્ય જવાબદારી બનશે. શાળા કક્ષાએ 'નિપુણ
પખવાડિયું' અને 'નિપુણ ઉત્સવ' જેવા જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું નેતૃત્વ લઈને શિક્ષકો સમાજ અને વાલીઓને
શિક્ષણની પ્રક્રિયા સાથે સીધા સાંકળી શકે છે.
અંતે, આ મિશનના
ત્રિ-વર્ષીય વાર્ષિક લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે એટલે કે વર્ષ ૨૦૨૬-૨૭ માં
પાયાની સાક્ષરતામાં ૭૦% અને સંખ્યાજ્ઞાનમાં ૬૫% થી શરૂ કરીને વર્ષ ૨૦૨૮-૨૯ સુધીમાં
તેને અનુક્રમે ૮૦% અને ૭૫% ના સ્તર સુધી પહોંચાડવા માટે શિક્ષકે આચાર્યશ્રીના
સંકલનમાં રહીને દર મહિને બે વાર યોજાનારી શાળા સમીક્ષા બેઠકોમાં પોતાની
વ્યૂહરચનાઓની આત્મ-સમીક્ષા કરવી પડશે. જ્યારે કોઈ શાળાના ૮૦% કે તેથી વધુ બાળકો
તમામ પાયાના કૌશલ્યોમાં ઉત્કૃષ્ટ ગુણ મેળવીને ઉત્તીર્ણ થશે ત્યારે જ તે શાળા રાજ્ય
સ્તરે 'નિપુણ શાળા' તરીકે ગૌરવવંતું
સન્માન મેળવી શકશે. આમ, સાંપ્રત સમયની માંગ અને આવનારી
પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શિક્ષણ વિભાગનો આ ઠરાવ એક દિશાચિહ્ન સમાન છે,
અને તેના સફળ અમલીકરણ દ્વારા ગુજરાતના શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની
સૌથી પવિત્ર અને ઐતિહાસિક જવાબદારી આજે આપણા પ્રાથમિક શિક્ષકોના ખભા પર છે.
"નિપુણ ગુજરાત અભિયાન" ને સફળ બનાવવાની
ચાવી શિક્ષકોના ઉત્સાહ, સચોટ આયોજન અને નિયમિત ઉપચારાત્મક કાર્યમાં
છુપાયેલી છે. જો દરેક શિક્ષક વાલીઓ સાથે યોગ્ય સમન્વય
સાધીને પ્રવૃત્તિમય શિક્ષણ આપશે, તો ગુજરાતનો પાયો ખરા અર્થમાં મજબૂત અને 'નિપુણ' બનશે એવો વિશ્વાસ છે.
લેખન - સોનલ ચૌહાણ, લેક્ચરર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ
સંદર્ભ સ્ત્રોત : પાયાની સાક્ષરતા
અને સંખ્યાજ્ઞાન માટે ત્રિર્ષીય ‘નિપુણ ગુજરાત અભિયાન’, ગુજરાત સરકાર
શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંક : ED/SSA/e-file/3/2026/3376/N તારીખ
- 08-07-2026
ઠરાવ - https://dietrjt.blogspot.com/ પરથી પણ મળી શકશે. સમયાંતરે નિપુણ ભારત અન્વયે અપડેઇટ જોવા મળશે.