FLN_Teacher's Corner : "Share – Learn – Inspire"
શિક્ષકોની સર્જનાત્મકતાનું સહિયારું મંચ
"જ્ઞાન
વહેંચવાથી વધે છે... અને સારો શૈક્ષણિક પ્રયાસ પ્રેરણાનું કારણ બને છે."
નિપુણ ભારત (NIPUN Bharat) અભિયાનના
મૂળમાં દરેક બાળક માટે
ભાષા અને ગણિતના પાયાના કૌશલ્યો (Foundational Literacy and
Numeracy – FLN)
ને મજબૂત કરવાનો ધ્યેય સમાયેલો છે. આ ધ્યેયને સાકાર કરવામાં શિક્ષકની
સર્જનાત્મકતા, આયોજન
અને સતત પ્રયત્નોનું વિશેષ મહત્વ છે.
શાળા મુલાકાતો દરમિયાન અમે
અનુભવ્યું છે કે વર્ગખંડમાં દરેક બાળકની શીખવાની ગતિ અને જરૂરિયાત અલગ-અલગ હોય છે.
તેથી શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના મહાવરાઓ, સ્વાધ્યાયો, વર્કશીટ્સ, પ્રવૃત્તિઓ
અને અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરે છે. આવા ગુણવત્તાસભર સાહિત્ય પાછળ શિક્ષકનો
કિંમતી સમય, શ્રમ, અનુભવ અને
સમર્પણ સમાયેલાં હોય છે. જો આવા પ્રયાસો માત્ર એક જ શાળા પૂરતા મર્યાદિત રહી જાય, તો તેનો
લાભ સીમિત રહે છે. પરંતુ એ જ સાહિત્ય અન્ય શિક્ષકો સુધી પહોંચે, તો અનેક
વિદ્યાર્થીઓના અધ્યયનને વધુ સમૃદ્ધ બનાવી શકે છે.
આ જ હેતુને ધ્યાનમાં રાખીને આ
બ્લોગમાં FLN_Teacher's Corner :
"Share – Learn – Inspire" નામથી એક વિશેષ વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિભાગ
શિક્ષકો માટે એક સહિયારું મંચ છે,
જ્યાં FLN અંતર્ગત
શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગુણવત્તાસભર ભાષા અને
ગણિત વિષયક વર્કશીટ્સ,
મહાવરાઓ અને સ્વાધ્યાયો શેર
કરવામાં આવશે. તેનો હેતુ શિક્ષકોના શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રયાસોને સહિયારા બનાવવા, જ્ઞાનનું
આદાન-પ્રદાન વધારવા,
સમય અને શ્રમની બચત કરવા તેમજ શિક્ષકોની સર્જનાત્મકતાને યોગ્ય ઓળખ આપવાનો છે. એક
શિક્ષકનો ઉત્તમ પ્રયાસ અનેક શિક્ષકો માટે પ્રેરણારૂપ બની શકે છે અને હજારો બાળકોના
અધ્યયનને વધુ અસરકારક બનાવી શકે છે. વળી, શિક્ષકોનો સમય બચે અને તેઓ વર્ગખંડના
પ્રત્યક્ષ શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકે.
જો આપ પણ FLN અન્વયે
પોતાની શાળાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી વર્કશીટ્સ,
મહાવરાઓ,
સ્વાધ્યાયો અથવા અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરી
હોય અને તે અન્ય શિક્ષકો સાથે વહેંચવા ઇચ્છતા હો, તો આપનું હાર્દિક સ્વાગત છે. યોગ્ય અને ગુણવત્તાસભર
સાહિત્યને આ બ્લોગમાં સ્થાન આપવામાં આવશે,
જેથી તેનો લાભ સમગ્ર શિક્ષક સમાજ સુધી પહોંચી શકે.
આ વિભાગમાં ઉપલબ્ધ કરાવવામાં
આવેલ તમામ વર્કશીટ્સ,
મહાવરાઓ અને શૈક્ષણિક સામગ્રી માત્ર સંદર્ભ અને પ્રેરણા માટે શેર કરવામાં આવેેલ છે.
રજૂ કરેલ તમામ સાહિત્યનો ફરજિયાત ઉપયોગ કરવો એ આગ્રહ નથી. દરેક વર્ગના
વિદ્યાર્થીઓની વયકક્ષા,
પૂર્વજ્ઞાન, શીખવાની
ગતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોય છે. તેથી શિક્ષકશ્રી પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય
સાહિત્ય પસંદ કરી તેનો ઉપયોગ અથવા જરૂરી ફેરફારો સાથે ઉપયોગ કરી શકે
છે.
આ વિભાગની શરૂઆત તરીકે અમને
આનંદ છે કે
ગોંડલ તાલુકાની બેટાવડ પ્રાથમિક શાળાના શિક્ષક તથા
એસ.આર.જી. (SRG)
શ્રી રાજનભાઈ ભાલોડિયા દ્વારા FLN અંતર્ગત
તૈયાર કરવામાં આવેલું ઉપયોગી અને ગુણવત્તાસભર શૈક્ષણિક સાહિત્ય અહીં શેર કરવામાં આવી
રહ્યું છે. તેમના આ સર્જનાત્મક અને સમર્પિત પ્રયાસ માટે અમે હૃદયપૂર્વક અભિનંદન
પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ સામગ્રી રાજ્યના અનેક શિક્ષકો માટે ઉપયોગી
સાબિત થશે. સાહિત્ય જોવા તથા ડાઉનલોડ કરવા માટે જુઓ https://dietrjt.blogspot.com/ બ્લોગમાં FLN_Teacher's Corner : "Share – Learn – Inspire" વિભાગ.
આ બ્લોગમાં સમયાંતરે સાહિત્ય અપડેઇટ થતું રહેશે.
ચાલો, આપણે સૌ
મળીને "Share – Learn –
Inspire" ના
ભાવ સાથે શિક્ષણને વધુ સમૃદ્ધ બનાવીએ અને દરેક બાળકને નિપુણ બનાવવા માટે સહિયારા
પ્રયાસોને વધુ મજબૂત બનાવીએ.
લેખન : સોનલ ચૌહાણ, વ્યાખ્યાતા,
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ