વાંચન એ
માત્ર શબ્દોને ઉચ્ચારવાની પ્રક્રિયા નથી, પરંતુ લખાણનો અર્થ સમજીને, યોગ્ય ગતિ અને અભિવ્યક્તિ સાથે વાંચવાની કળા છે.
વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં વાચન ઝડપ (Reading Speed)
મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જો વિદ્યાર્થી ખૂબ ધીમે વાંચે
છે,
તો તે વાંચેલી સામગ્રીનો અર્થ સમજવામાં પાછળ રહી શકે છે.
બીજી તરફ,
જો વિદ્યાર્થી ખૂબ ઝડપથી પરંતુ અર્થ સમજ્યા વિના વાંચે,
તો પણ વાંચનનો હેતુ સિદ્ધ થતો નથી. તેથી
વાચન ઝડપ અને વાંચન બોધ (Reading
Comprehension) વચ્ચે સંતુલન
જાળવવું જરૂરી છે.
વાચન ઝડપ એટલે શું?
વાચન ઝડપ એટલે વિદ્યાર્થી એક
મિનિટમાં યોગ્ય ઉચ્ચાર, પ્રવાહિતા અને અર્થગ્રહણ સાથે કેટલા શબ્દો વાંચી શકે તે. વાચન ઝડપનું મૂલ્યાંકન સામાન્ય રીતે Words Per Minute (WPM) દ્વારા
કરવામાં આવે છે.
સૂત્ર: વાચન
ઝડપ = એક મિનિટમાં વાંચેલા કુલ શબ્દો
સારી વાચન ઝડપ શા માટે જરૂરી છે?
વાચન ઝડપમાં સુધારો થવાથી વિદ્યાર્થીમાં નીચે મુજબના લાભો
થાય છે:
- વાંચન પ્રત્યે આત્મવિશ્વાસ વધે છે.
- પાઠ્યપુસ્તક સરળતાથી વાંચી શકે છે.
- વાંચેલા વિષયને ઝડપથી સમજી શકે છે.
- પરીક્ષામાં પ્રશ્નપત્ર વાંચવામાં ઓછો સમય લાગે છે.
- સ્વઅધ્યયનની ટેવ વિકસે છે.
- શબ્દભંડોળમાં વધારો થાય છે.
- ભાષા પર પકડ મજબૂત બને છે.
- અભ્યાસ પ્રત્યે રસ વધે છે.
સારી વાચન ઝડપને અસર કરતા પરિબળો
વાચનની ઝડપ અનેક પરિબળો પર આધાર રાખે છે. શિક્ષકે નીચે દર્શાવેલ
પરિબળો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી બાળકના વાચન માટેની યોજના અને વાતાવરણ તૈયાર કરવું
જોઇએ.
વિદ્યાર્થી સંબંધિત પરિબળો
- અક્ષરજ્ઞાન
- શબ્દભંડોળ
- ઉચ્ચારણની ચોકસાઈ
- વાંચનનો નિયમિત અભ્યાસ
- આત્મવિશ્વાસ
પાઠ્યસામગ્રી સંબંધિત પરિબળો
- ભાષાની સરળતા
- અજાણ્યા શબ્દોની સંખ્યા
- વાક્યરચનાની જટિલતા
- અક્ષરોનું કદ
- ફકરાની લંબાઈ
પર્યાવરણ સંબંધિત પરિબળો
- શાંત વાતાવરણ
- પૂરતો પ્રકાશ
- શિક્ષકનું માર્ગદર્શન
- વાંચન માટે પ્રોત્સાહન
વાચન ઝડપ અને વાચન બોધ વચ્ચેનો સંબંધ
વાચન ઝડપનો અર્થ માત્ર વાચ્ય સામગ્રીને ઝડપથી વાંચવી એમ
નથી.
યોગ્ય વાચન એટલે = ઝડપ + શુદ્ધતા + અભિવ્યક્તિ
+ અર્થગ્રહણ
વાચન ઝડપ કરતાં વાચન બોધ (Reading Comprehension) વધુ મહત્વપૂર્ણ છે.
વિદ્યાર્થી જો વધુ ઝડપથી
વાંચે પરંતુ અર્થ ન સમજે, તો તે અસરકારક વાચન ગણાતું
નથી.
દા.ત. જો વિદ્યાર્થી 180 શબ્દો વાંચે પરંતુ અર્થ ન સમજે તો તે અસરકારક વાચન ગણાય નહીં.
તે જ રીતે 40 શબ્દો વાંચીને સંપૂર્ણ અર્થ સમજે તો પણ વધુ અભ્યાસ દ્વારા ઝડપ વધારવાની જરૂર
રહે છે.
વાચન ઝડપ કેવી રીતે માપવી? અહીં દર્શાવેલ પ્રક્રિયા મેન્યુઅલી કરવાની છે. બાકી વાચન ઝડપ માટે તમે ORF એપ્લીકેશનનો ઉપયોગ તો કરો જ છો.
જરૂરી સામગ્રી
- ધોરણને અનુરૂપ ફકરો
- સ્ટોપવોચ
- શબ્દ ગણતરી
- મૂલ્યાંકન પત્રક
પ્રક્રિયા
- વિદ્યાર્થીને અજાણ્યો પરંતુ ધોરણને અનુરૂપ ફકરો આપો.
- એક મિનિટ સુધી વાંચવા કહો.
- કુલ વાંચેલા શબ્દો નોંધો.
- ભૂલોની સંખ્યા નોંધો.
- સાચા વાંચેલા શબ્દોની સંખ્યા નોંધો.
- વાંચેલા વિષય વિશે 2–3 પ્રશ્નો પૂછીને અર્થગ્રહણ ચકાસો.
વાચનનું મૂલ્યાંકન કરતી વખતે નીચેના ચાર પાસાઓ ધ્યાનમાં
લેવા જોઈએ:
- શુદ્ધતા
(Accuracy) – શબ્દો
યોગ્ય રીતે વાંચે છે કે નહીં.
- ઝડપ (Rate) – એક
મિનિટમાં કેટલા શબ્દો વાંચે છે.
- પ્રવાહિતા
(Fluency) – વિરામચિહ્નો, લય
અને અભિવ્યક્તિ સાથે વાંચે છે કે નહીં.
- અર્થગ્રહણ
(Comprehension) – વાંચેલા
લખાણનો અર્થ સમજે છે કે નહીં.
વાચન ઝડપ વધારવા માટેની
પ્રવૃત્તિઓ
1. દૈનિક
એક મિનિટનું વાંચન - દરરોજ
એક મિનિટ સુધી વાંચન કરાવી પ્રગતિ નોંધવી.
2. પુનરાવર્તિત
વાંચન (Repeated
Reading) - એક જ ફકરો ત્રણથી ચાર વખત વંચાવવો.
3. જોડી
વાંચન - બે વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચે. પીઅર રીડીંગ ઉત્તમ રીત છે.
4. શિક્ષક
મોડેલિંગ - શિક્ષક યોગ્ય લય અને અભિવ્યક્તિ સાથે વાંચીને બતાવે (આદર્શ વાચન).
5. સમયબદ્ધ
વાંચન - એક મિનિટમાં વધુ સાચા શબ્દો વાંચવાનો પ્રયાસ.
6. શબ્દ
ઓળખ રમતો - ફ્લેશ કાર્ડ,
શબ્દપટ્ટી અને શબ્દ મેચિંગ પ્રવૃત્તિઓ.
7. વાર્તા
વાંચન - રસપ્રદ વાર્તાઓ વાંચવાથી સ્વાભાવિક રીતે ઝડપ વધે છે.
શિક્ષકની ભૂમિકા
શિક્ષકે
- નિયમિત વાંચન કરાવવું.
- ભૂલો પર હકારાત્મક પ્રતિસાદ આપવો.
- વિદ્યાર્થીની વ્યક્તિગત પ્રગતિ નોંધવી.
- વાંચનને આનંદદાયક બનાવવું.
- વાચન ઝડપ કરતાં અર્થગ્રહણને વધુ મહત્વ આપવું.
વાચન ઝડપ વધારવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
✔ ઝડપ માટે વિદ્યાર્થી પર અનાવશ્યક દબાણ ન કરવું.
✔ પહેલા શુદ્ધ વાંચન, પછી ઝડપ.
✔ દરેક વિદ્યાર્થીની ગતિ અલગ હોય છે.
✔ નિયમિત અભ્યાસથી જ સુધારો થાય છે.
✔ વાંચન સાથે અર્થગ્રહણની ચકાસણી અનિવાર્ય છે.
વાચન ઝડપ વિદ્યાર્થીના સમગ્ર શૈક્ષણિક વિકાસનો મહત્વપૂર્ણ આધાર છે. યોગ્ય ગતિ, શુદ્ધતા અને અર્થગ્રહણ સાથેનું વાંચન (સાર્થ વાચન) વિદ્યાર્થીને સ્વઅધ્યયન, વિચારશક્તિ અને અભિવ્યક્તિમાં સક્ષમ બનાવે છે. શિક્ષક દ્વારા નિયમિત અભ્યાસ, યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન દ્વારા દરેક વિદ્યાર્થીની વાચન ઝડપમાં નોંધપાત્ર સુધારો શક્ય બને છે. તેથી વાચન ઝડપને માત્ર એક કૌશલ્ય નહીં, પરંતુ જીવનભર શીખવાની ક્ષમતાનો પાયો માનવો જોઈએ.
લેખન - સોનલ ચૌહાણ, વ્યાખ્યાતા
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ
No comments:
Post a Comment