NEW_NIPUN Gujrat 2026 ભાષા બેઝલાઇન

NEW_NIPUN Gujrat 2026 ભાષા બેઝલાઇન
નિપુણ ગુજરાત 2026 FLN_બેઝલાઇન સર્વે અન્વયેનું GCERT પ્રકાશિત ભાષા માટેનું તમામ સાહિત્ય બેઝ લાઇન ગાઇડલાઇન, ટ્રેકર વિધાનો, ઉપચારાત્મક સાહિત્ય ડાઉનલોડ કરવા અહી ભાષાની માર્ગદર્શિકા પર Click કરો.

NEW_NIPUN Gujrat 2026 ગણિત બેઝલાઇન

NEW_NIPUN Gujrat 2026 ગણિત બેઝલાઇન
નિપુણ ગુજરાત 2026 FLN_બેઝલાઇન સર્વે અન્વયેનું GCERT પ્રકાશિત ગણિત માટેનું તમામ સાહિત્ય બેઝ લાઇન ગાઇડલાઇન, ટ્રેકર વિધાનો, ઉપચારાત્મક સાહિત્ય ડાઉનલોડ કરવા અહી ગણિતની માર્ગદર્શિકા પર Click કરો.

FLS Report

FLS Report
Foundational Learning Study Reports - PARAKH NCERT

વિડીયો - અનુલેખનની સમજ

વિડીયો - અનુલેખનની સમજ
ડૉ. યોગેન્દ્ર વ્યાસ જેવા ગુજરાતી ભાષાના વિદ્વાન કેળવણીકારના અનુભવોનો નીચોડ આપની સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ. આ શ્રેણીમાં અનુલેખન અને તેની સમજ અન્વયે માર્ગદર્શન પ્રસ્તુત કરવામાં આવેલ છે. (પ્રસ્તુતિકરણ - GIET)

Sucess Story : Experiments in classroom

Sucess Story : Experiments in classroom
રમત દ્વારા વાચન શિક્ષણની સફળ ગાથા - એક નવતર પ્રયોગ : રમતિયાળ વાચન, પ્રસ્તુતિકરણ - આરતીબેન ચોટાઇ, શ્રી વવાણીયા પ્રા. શાળા, માળીયા - જિ. મોરબી

રમત - સરખી સૈયર સાહેલી , પ્રસ્તુતિકરણ - શ્રી વવાણીયા પ્રા. શાળા, માળીયા - જિ. મોરબી

રમત - સરખી સૈયર સાહેલી , પ્રસ્તુતિકરણ - શ્રી વવાણીયા પ્રા. શાળા, માળીયા - જિ. મોરબી
સરખી સૈયર સાહેલી - આ રમત શબ્દ વાચન અને શબ્દકોશના ક્રમના મહાવરા તથા મૂલ્યાંકન માટે રમાડી શકાય.

ગુણોત્સવ 2.0 G-SQAAF સ્વમૂલ્યાંકનના આધારો

G-SQAAF સ્વમૂલ્યાંકનના આધારો

નમસ્કાર,

તારીખ ૧૭ ઓગષ્ટથી ગુણોત્સવ 2.0 G-SQAAF સ્વમૂલ્યાંકન શરૂ થવાનું છે. ત્યારે મૂલ્યાંકનમાં કેટલાંક નીતિ વિષયક, પરીક્ષા વિષયક, સંચાલન વિષયક આધારો જોડવાના થાય છે. આ માટે આપને મદદરૂપ સાહિત્ય નીચે આપેલ લિંક પરથી મળી રહેશે. આપેલ વર્ડ ફાઇલને ડાઉનલોડ કરીને આપ આપની શાળા કક્ષાએ થતી કાર્યપ્રણાલી મુજબ આવશ્ક ફેરફારો કરીને આધારો ઝડપથી તૈયાર કરી શકશો. આ ફાઇલની સાથે તમારી બનાવેલી ફાઇલ પણ જોડી શકો છો. વર્ડ ફાઇલમાં વાપરેલ ફોન્ટ પણ આ ફોલ્ડરમાંથી મળી રહેશે. સાથે HTML ચેક લીસ્ટ પણ છે જેના આધારે તમારી તૈયારીની પ્રગતિ પણ નોંધી શકશો. 

સમયાંંતરે આધારો મૂકાતા જશે. આ પોસ્ટ પરની લિંકમાં જોતા રહેશો.

સાહિત્ય તૈયાર કરનાર - શ્રી કલ્પેશભાઇ ચોટલિયા, જામનગર જિલ્લો

સાહિત્ય ડાઉનલોડ કરવા માટેની લિંક - 



👤 માર્ગદર્શક: કલ્પેશ ચોટલીયા (સર્વત્રજ્ઞાનમ્)
🔗 ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો:
👉
 "એક ક્લિક બદલે તમારી દુનિયા"

નિપુણ ગુજરાત ટ્રેકરની ઓટો જનરેટ ફિક્સ ફોર્મ્યૂલા સાથેની એકસેલ શીટ

 નમસ્કાર સારસ્વત મિત્રો,

આપ બધાએ તારીખ: 04/08/2026 ને મંગળવારના રોજ બેઝલાઇન એસેસમેન્ટ (Baseline Assessment) ગુજરાતી ભાષા માટેની પ્રશ્નાવલી મુજબ સર્વેની કામગીરી પૂર્ણ કરેલ છે. ટ્રેકરમાં પરીણામની નોંધ પણ કરી હશે. આપનું કાર્ય આસાન બને તે માટે pdf સ્વરૂપના ટ્રેકરની ઓટો જનરેટ ફિક્સ ફોર્મ્યૂલા સાથેની એકસેલ શીટ (જે તે ધોરણના તમામ વિધાનોને લઈને ફોર્મ્યુલા વાળી) ડાયટ રાજકોટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે આપને નીચે દર્શાવેલ લિંક પરથી મળી જશે. ફાઇલ ડાઉનલોડ કરીને કાર્ય કરવા વિનંતી છે. 


નિપુણ ગુજરાત_FLN_Gujrati_બાલવાટીકા ટ્રેકર ઓટો જનરેટ પરીણામ શીટ પ્રાપ્ત કરવાની લિંક - https://docs.google.com/spreadsheets/d/12bl1Cw3jnE370cOxqLrtzLjCN6Qryo41/edit?usp=drive_link&ouid=101393952388329810166&rtpof=true&sd=true

 

નિપુણ ગુજરાત_FLN_Gujrati_ધોરણ 1 ટ્રેકર ઓટો જનરેટ પરીણામ શીટ પ્રાપ્ત કરવાની લિંક - https://docs.google.com/spreadsheets/d/1Cy0BNux-iEuFVLUOrrtlgurYkSwSU5t_/edit?usp=drive_link&ouid=101393952388329810166&rtpof=true&sd=true

 

નિપુણ ગુજરાત_FLN_Gujrati_ધોરણ 2 ટ્રેકર ઓટો જનરેટ પરીણામ શીટ પ્રાપ્ત કરવાની લિંક - https://docs.google.com/spreadsheets/d/11cCq93BX-UERaejfwfualwZXi8O5UV9P/edit?usp=drive_link&ouid=101393952388329810166&rtpof=true&sd=true

 

નિપુણ ગુજરાત_FLN_Gujrati_ધોરણ 3 થી 5 ટ્રેકર ઓટો જનરેટ પરીણામ શીટ પ્રાપ્ત કરવાની લિંક - https://docs.google.com/spreadsheets/d/1o_N8thKOdlJ4_5bbiukSzj1IOJORqSZe/edit?usp=drive_link&ouid=101393952388329810166&rtpof=true&sd=true

 

આપના કાર્યને સરળ બનાવશે તે અભિલાષા સહ. ગણિતના ટ્રેકરની ફાઇલ પણ સતવરે મૂકવામાં આવશે. FLN સંલગ્ન ઉપયોગી થાય તે સાહિત્ય https://dietrjt.blogspot.com/ પર આપને મળી રહેશે. ઉપયોગ કરશો તેવી અપેક્ષા છે.

રજૂકર્તા – જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ

 

ગુજરાતમાં શાળા એક્રેડિટેશન (G-SQAAF) માટે વેરીફાયર્સની નોંધણી કરાવવા માટેની પ્રક્રિયા

 ગુજરાતમાં શાળા એક્રેડિટેશન (G-SQAAF) માટે વેરીફાયર્સની નોંધણી કરાવવા માટેની પ્રક્રિયા

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020) ની ભલામણો મુજબ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ગુણવત્તા વિષયક મૂલ્યાંકન અને સુધારણા માટે School Quality Assessment and Assurance Framework (SQAAF) તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા આ ફ્રેમવર્ક રાજ્યની તમામ સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાગુ કરવામાં આવ્યું છે.

શાળા એક્રેડિટેશન પ્રક્રિયાના મહત્વપૂર્ણ સોપાનો:

રાજ્યની તમામ શાળાઓ દ્વારા ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન School Quality Assessment and Assurance Framework (SQAAF) ને લઇને ઓનલાઈન સ્વ-મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવશે.

સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકી મહત્તમ ૩૩% શાળાઓમાં પસંદગી પામેલ વેરીફાયર્સ દ્વારા બાહ્ય-મૂલ્યાંકન (Cross-verification) કરવામાં આવશે.

વેરીફાયર્સ તરીકે ઉમેદવારી નોંધાવવા માટેની પાત્રતા: કોણ અરજી કરી શકશે ?

બાહ્ય-મૂલ્યાંકનની કામગીરી માટે નીચે મુજબના અધિકારીઓ/કર્મચારીઓ અને નિષ્ણાતો ઓનલાઈન અરજી કરી શકશે:

  • પ્રાથમિક વિભાગ માટે : કેળવણી નિરીક્ષકો, બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ (BRCC), સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ (CRCC), મુખ્ય શિક્ષકો (HTAT), શિક્ષકો, નિવૃત્ત આચાર્ય/શિક્ષક, એવોર્ડ વિજેતા શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત NGO ના તજજ્ઞો.
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે : ઈ.આઈ. (EI), આચાર્ય (શિક્ષણ સેવા વર્ગ-૨), HMAT/AEI આચાર્યો, શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો/આચાર્યો અને NGO ના તજજ્ઞો.
  • ઉચ્ચ શિક્ષણ વિભાગ માટે : વિવિધ શિક્ષણ-તાલીમી સંસ્થાઓ (DIET/B.Ed. કોલેજો) ના અધ્યાપકો અને વ્યાખ્યાતાશ્રીઓ.

અરજી પ્રક્રિયા અને મહત્વની તારીખો:

  • ઓનલાઈન અરજીની લિંક: https://gsqac-frontend.gujaratvsk.org/verifier-registration
  • અરજી સ્વીકારવાની શરૂઆત: ૦૫ ઓગસ્ટ ૨૦૨૬ (બપોરે ૨:૦૦ કલાકથી)
  • અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ (રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી)

રસ ધરાવતા ઉપરોક્ત દર્શાવેલ સક્ષમ કર્મચારીઓ નિયત સમયમર્યાદામાં આપેલ લિંકમાં સચોટ વિગતો ભરીને G-SQAAF ના બાહ્ય મૂલ્યાંકનકાર/વેરીફાયર્સ તરીકે અરજી કરી શકે છે.

બેઝ લાઇન સર્વે : નિપુણ ગુજરાત

 *આવતી કાલે છે નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વે …!*

સારસ્વત મિત્રો,

આપ જાણો છો એ મુજબ આ ઉપકરણ નિપુણ ગુજરાત અભિયાનની શરૂઆતના સમયે બાળકોનું સ્તર જાણવા માટેનું છે. બાળકોનું સ્તર જાણીને એ મુજબ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓનું વ્યક્તિગત ઉપચારાત્મક કાર્ય કરવાનું છે. શિક્ષક દ્વારા બિલકુલ યોગ્ય રીતે વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય થાય એ માટે જરૂરી છે કે નિદાન પણ સાચું અને તટસ્થ રીતે થાય. આપ સૌ આ બાબતનું મહત્ત્વ સમજી, બેઝલાઈન સર્વેનાં ઉપકરણનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તેવી અપેક્ષા છે.

તારીખ: 04/08/2026 ને મંગળવારના રોજ લેવાનાર બેઝલાઇન એસેસમેન્ટ (Baseline Assessment) ગુજરાતી ભાષા માટેની પ્રશ્નાવલી તા.04/08/2026 ને મંગળવારના રોજ  સવારે ૬:૪૫ વાગ્યે નીચે મુજબના તમામ કર્મચારીઓને  તેમની શાળા ના ઈ-મેઈલ (E-mail) સરનામે મોકલી દેવામાં આવશે:

​તમામ તાલુકાના BRC કો-ઓર્ડિનેટરશ્રીઓ

​તમામ ક્લસ્ટરના CRC કો-ઓર્ડિનેટરશ્રીઓ

​તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી / મુખ્ય શિક્ષકશ્રીઓ

આ મુજબ તારીખ: 05/08/2026 ને બુધવારના રોજ લેવાનાર બેઝલાઇન એસેસમેન્ટ (Baseline Assessment) ગણિત માટેની પ્રશ્નાવલી તા.05/08/2026 ને બુધવારના રોજ સવારે 6:45 વાગ્યે ઉપરની સૂચના મુજબ જ મળશે.

​નોંધ: આપનો ઈ-મેઈલ સમયસર ચેક કરી લેવા અને બાળકોને પ્રશ્નાવલી સમયસર મળે તેવુ આયોજન કરશો.

શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

Date 03-08-2026

FLN બેઝલાઇન સર્વે_2026 અને FLN સાહિત્ય

 

નિપુણ ગુજરાત અભિયાન: FLN બેઝલાઇન સર્વે અન્વયે GCERT દ્વારા નિર્મિત

શૈક્ષણિક સાહિત્ય અને માર્ગદર્શિકા

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP 2020) અને ‘નિપુણ ભારત’ અભિયાનને સુસંગત રાખીને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને GCERT દ્વારા નિપુણ ગુજરાત અભિયાન’ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બાલવાટિકાથી લઈ પ્રાથમિક શાળાના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (Foundational Literacy and Numeracy - FLN) મજબૂત કરવાનો છે.

વર્ગખંડમાં શૈક્ષણિક કાર્યને વધુ સુવ્યવસ્થિત અને પરિણામલક્ષી બનાવવા માટે GCERT દ્વારા વિશેષ શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે.

GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ મુખ્ય સાહિત્ય

1.   FLN શિક્ષક માર્ગદર્શિકા (Teacher Handbook) : ભાષા અને ગણિત બંને વિષયની અલગ-અલગ

2.   બેઝલાઇન સર્વેની માર્ગદર્શિકા : ભાષા અને ગણિત બંને વિષયની અલગ-અલગ

3.   બાલવાટિકાથી ધોરણ 5 સુધીના લક્ષ્યાંકો : ભાષા અને ગણિત બંને વિષયના અલગ-અલગ

4.   પ્રોગ્રેસ અને લર્નિંગ ટ્રેકર (Progress Tracker) : બાલવાટિકાથી ધો. ૫ સુધી બંને વિષયના અલગ-અલગ

5.   ઉપચારાત્મક કાર્ય માટે (Remedial Learning) વિદ્યાર્થી વર્કશીટ અને મહાવરા અર્થે સાહિત્ય (Student Worksheets) : ભાષા અને ગણિત બંને વિષયના અલગ-અલગ

 

આ તમામ સાહિત્યનો યોગ્ય અને તટસ્થ રીતે ઉપયોગ કરીને શિક્ષકો વર્ગખંડના દરેક બાળકના પાયાના કૌશલ્યો સુદ્રઢ કરી શકે છે. યોગ્ય નિદાન, સતત મહાવરો, ઉપચારાત્મક કાર્ય અને ટ્રેકિંગ દ્વારા ‘નિપુણ ગુજરાત’ના લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાશે. સાહિત્ય https://dietrjt.blogspot.com/ પરથી તથા GCERT ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

આ બાબતે વિશેષ માર્ગદર્શન માટે નિહાળો - https://www.youtube.com/watch?v=X-t1MKi6Bxg&t=3974s

FLN અન્વયે અપડેઇટ મેળવવા જોતા રહો --- https://dietrjt.blogspot.com

લેખન : સોનલ ચૌહાણ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ

FLN_Teacher's Corner : "Share – Learn – Inspire"

 

FLN_Teacher's Corner : "Share – Learn – Inspire"  

શિક્ષકોની સર્જનાત્મકતાનું સહિયારું મંચ

"જ્ઞાન વહેંચવાથી વધે છે... અને સારો શૈક્ષણિક પ્રયાસ પ્રેરણાનું કારણ બને છે."

નિપુણ ભારત (NIPUN Bharat) અભિયાનના મૂળમાં દરેક બાળક માટે ભાષા અને ગણિતના પાયાના કૌશલ્યો (Foundational Literacy and Numeracy – FLN) ને મજબૂત કરવાનો ધ્યેય સમાયેલો છે. આ ધ્યેયને સાકાર કરવામાં શિક્ષકની સર્જનાત્મકતા, આયોજન અને સતત પ્રયત્નોનું વિશેષ મહત્વ છે.

શાળા મુલાકાતો દરમિયાન અમે અનુભવ્યું છે કે વર્ગખંડમાં દરેક બાળકની શીખવાની ગતિ અને જરૂરિયાત અલગ-અલગ હોય છે. તેથી શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના મહાવરાઓ, સ્વાધ્યાયો, વર્કશીટ્સ, પ્રવૃત્તિઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરે છે. આવા ગુણવત્તાસભર સાહિત્ય પાછળ શિક્ષકનો કિંમતી સમય, શ્રમ, અનુભવ અને સમર્પણ સમાયેલાં હોય છે. જો આવા પ્રયાસો માત્ર એક જ શાળા પૂરતા મર્યાદિત રહી જાય, તો તેનો લાભ સીમિત રહે છે. પરંતુ એ જ સાહિત્ય અન્ય શિક્ષકો સુધી પહોંચે, તો અનેક વિદ્યાર્થીઓના અધ્યયનને વધુ સમૃદ્ધ બનાવી શકે છે.

આ જ હેતુને ધ્યાનમાં રાખીને આ બ્લોગમાં FLN_Teacher's Corner : "Share – Learn – Inspire"   નામથી એક વિશેષ વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિભાગ શિક્ષકો માટે એક સહિયારું મંચ છે, જ્યાં FLN અંતર્ગત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગુણવત્તાસભર ભાષા અને ગણિત વિષયક વર્કશીટ્સ, મહાવરાઓ અને સ્વાધ્યાયો શેર કરવામાં આવશે. તેનો હેતુ શિક્ષકોના શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રયાસોને સહિયારા બનાવવા, જ્ઞાનનું આદાન-પ્રદાન વધારવા, સમય અને શ્રમની બચત કરવા તેમજ શિક્ષકોની સર્જનાત્મકતાને યોગ્ય ઓળખ આપવાનો છે. એક શિક્ષકનો ઉત્તમ પ્રયાસ અનેક શિક્ષકો માટે પ્રેરણારૂપ બની શકે છે અને હજારો બાળકોના અધ્યયનને વધુ અસરકારક બનાવી શકે છે. વળી, શિક્ષકોનો સમય બચે અને તેઓ વર્ગખંડના પ્રત્યક્ષ શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકે.

જો આપ પણ FLN અન્વયે પોતાની શાળાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી વર્કશીટ્સ, મહાવરાઓ, સ્વાધ્યાયો અથવા અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરી હોય અને તે અન્ય શિક્ષકો સાથે વહેંચવા ઇચ્છતા હો, તો આપનું હાર્દિક સ્વાગત છે. યોગ્ય અને ગુણવત્તાસભર સાહિત્યને આ બ્લોગમાં સ્થાન આપવામાં આવશે, જેથી તેનો લાભ સમગ્ર શિક્ષક સમાજ સુધી પહોંચી શકે.

આ વિભાગમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ તમામ વર્કશીટ્સ, મહાવરાઓ અને શૈક્ષણિક સામગ્રી માત્ર સંદર્ભ અને પ્રેરણા માટે શેર કરવામાં આવેેલ છે. રજૂ કરેલ તમામ સાહિત્યનો ફરજિયાત ઉપયોગ કરવો એ આગ્રહ નથી. દરેક વર્ગના વિદ્યાર્થીઓની વયકક્ષા, પૂર્વજ્ઞાન, શીખવાની ગતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોય છે. તેથી શિક્ષકશ્રી પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય સાહિત્ય પસંદ કરી તેનો ઉપયોગ અથવા જરૂરી ફેરફારો સાથે ઉપયોગ કરી શકે છે.

આ વિભાગની શરૂઆત તરીકે અમને આનંદ છે કે ગોંડલ તાલુકાની બેટાવડ પ્રાથમિક શાળાના શિક્ષક તથા એસ.આર.જી. (SRG) શ્રી રાજનભાઈ ભાલોડિયા દ્વારા FLN અંતર્ગત તૈયાર કરવામાં આવેલું ઉપયોગી અને ગુણવત્તાસભર શૈક્ષણિક સાહિત્ય અહીં શેર કરવામાં આવી રહ્યું છે. તેમના આ સર્જનાત્મક અને સમર્પિત પ્રયાસ માટે અમે હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ સામગ્રી રાજ્યના અનેક શિક્ષકો માટે ઉપયોગી સાબિત થશે. સાહિત્ય જોવા તથા ડાઉનલોડ કરવા માટે જુઓ https://dietrjt.blogspot.com/  બ્લોગમાં FLN_Teacher's Corner : "Share – Learn – Inspire" વિભાગ. 

આ બ્લોગમાં સમયાંતરે સાહિત્ય અપડેઇટ થતું રહેશે.

ચાલો, આપણે સૌ મળીને "Share – Learn – Inspire" ના ભાવ સાથે શિક્ષણને વધુ સમૃદ્ધ બનાવીએ અને દરેક બાળકને નિપુણ બનાવવા માટે સહિયારા પ્રયાસોને વધુ મજબૂત બનાવીએ.

લેખન : સોનલ ચૌહાણ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ

 

નિપુણ ગુજરાત અભિયાન અમલીકરણ યોજના (લેખ - 3)


નિપુણ ગુજરાત: અમલીકરણ કાર્યયોજના અને સમયસારણી

શિક્ષણ ક્ષેત્રે પાયાની બાબતોને મજબૂત કરવા માટે 'નિપુણ ગુજરાત અમલીકરણ કાર્યયોજના અને સમયસારણી' એક અત્યંત મહત્વપૂર્ણ માળખું પૂરું પાડે છે. આ કાર્યયોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન વિવિધ તબક્કે સર્વેક્ષણ, જૂથ વહેંચણી અને ઉપચારાત્મક કાર્યનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં શિક્ષકોથી લઈને ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સુધીની જવાબદારીઓ અને નિરીક્ષણની કામગીરી સ્પષ્ટ રીતે વહેંચવામાં આવી છે.

શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં, એટલે કે આગામી ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં વર્ગશિક્ષક દ્વારા બેઝલાઈન સર્વે અને RIK માહિતી માટે કસોટી યોજી ડેટા એન્ટ્રી કરવામાં આવશે. આ કસોટીના પરિણામોના આધારે બાળકોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવશે, જેથી તેમની ક્ષમતા મુજબ શિક્ષણ આપી શકાય. આ કસોટી નિષ્પક્ષ અને તટસ્થતાથી થાય તેનું નિરીક્ષણ શાળાના આચાર્ય કરશે, જ્યારે BRCCO, AEI, TPEO, ડાયટ લાયઝન, DPEO અને ડાયટ પ્રાચાર્ય જેવા અધિકારીઓ રેન્ડમ રીતે ઓછામાં ઓછી પાંચ શાળાઓની મુલાકાત લઈ સમીક્ષા અને માર્ગદર્શન આપશે. બેઝલાઈન સર્વે બાદ, ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન શિક્ષકો દ્વારા બાળકોના જૂથ મુજબ સઘન ઉપચારાત્મક કાર્ય કરવામાં આવશે. આ સમયગાળામાં આચાર્ય શાળાના તમામ વર્ગોના FLN શિક્ષણકાર્યનું નિરીક્ષણ કરશે અને CRCCo., BRCCo. તથા નિપુણ BRP સમયાંતરે શાળા મુલાકાત લઈ પ્રગતિની સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે.

કાર્યયોજનાના બીજા તબક્કામાં, ડિસેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં શિક્ષકો દ્વારા મીડ-લાઈન સર્વે અને ડેટા એન્ટ્રીનું કાર્ય કરવામાં આવશે. આ કસોટીના પરિણામ આધારે ફરીથી બાળકોની ત્રણ જૂથમાં વહેંચણી થશે અને જે બાળકો 'નિપુણ' કક્ષાએ પહોંચી સિદ્ધિ પ્રાપ્ત કરશે, તેમને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવશે. આ પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા આચાર્યશ્રી, બીઆરસી, કેળવણી નિરીક્ષક અને અન્ય ઉચ્ચ અધિકારીઓ કસોટી સમયનું અને જૂથ નિર્માણનું અગાઉની જેમ જ નિરીક્ષણ અને સમીક્ષા કરશે. મીડ-લાઈન સર્વે પૂર્ણ થયા બાદ, ડિસેમ્બરથી માર્ચ મહિના સુધી ફરી એકવાર શિક્ષકો દ્વારા બાળકોની જરૂરિયાત મુજબ જૂથવાર ઉપચારાત્મક કાર્ય હાથ ધરવામાં આવશે, જેમાં વિવિધ સ્તરેથી પ્રગતિની સમીક્ષા અને માર્ગદર્શન આપવાનું કાર્ય ચાલુ રહેશે.

વર્ષના અંતિમ તબક્કામાં, એપ્રિલ માસમાં વાર્ષિક પરીક્ષા પહેલાં વર્ગશિક્ષક દ્વારા એન્ડલાઈન કસોટી અને ડેટા એન્ટ્રીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અંતિમ કસોટીના આધારે સિદ્ધિ પ્રાપ્ત કરેલા બાળકોને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવશે અને આગામી શૈક્ષણિક વર્ષ માટે પરિણામના આધારે બાળકોને ફરીથી ત્રણ જૂથમાં વહેંચવામાં આવશે. સમગ્ર વર્ષ દરમિયાન લેવાનાર આ કસોટીઓ અને જૂથ નિર્માણ યોગ્ય રીતે થાય તેની સમીક્ષા કરવા માટે બીઆરસી, કેળવણી નિરીક્ષક, ડાયટ લાયઝન, TPEO, DPEO અને ડાયટ પ્રાચાર્ય દ્વારા રેન્ડમ રીતે ઓછામાં ઓછી પાંચ શાળાઓનું નિરીક્ષણ કરવામાં આવશે, જેથી શિક્ષણ વ્યવસ્થા વધુ અસરકારક અને પરિણામલક્ષી બની શકે.

લેખન - સોનલ ચૌહાણ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ.

વિહંગાવલોકન : નિપુણ ગુજરાત અભિયાન (NIPUN Gujarat Mission) લેખ - 2

   નિપુણ ગુજરાત અભિયાન (NIPUN Gujarat Mission) લેખ - 2

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP 2020) માં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર ભાર મૂકવામાં આવેલ છે. જેના માટે ભારત સરકાર દ્વારા NIPUN BHARAT મિશનની રાષ્ટ્રીય પહેલ શરૂ કરવામાં આવી. નિપુણ ભારતના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૨૮-૨૯ સુધી ત્રિવર્ષીય ‘નિપુણ ગુજરાત અભિયાન’ ની જાહેરાત કરવામાં આવી છે. સાંપ્રત સમયમાં જ્યારે ડિજિટલ યુગના આક્રમણ વચ્ચે પ્રાથમિક શાળાના બાળકોમાં પાયાના કૌશલ્યો નબળા પડવાના પડકારો સામે આવી રહ્યા છે, ત્યારે પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN) ને શિક્ષણ વ્યવસ્થાનો મજબૂત આધારસ્તંભ બનાવવાની આ એક સમયસરની અને આવશ્યક પહેલ છે. આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનનો ખરો યશ અને તેની સફળતાનો સંપૂર્ણ દારમદાર વર્ગખંડના વાસ્તવિક ઘડવૈયા એવા પ્રાથમિક શાળાના શિક્ષકો પર રહેલો છે. કોઈપણ શૈક્ષણિક નીતિ કાગળ પર ગમે તેવી ઉત્કૃષ્ટ હોય, પણ જ્યાં સુધી શિક્ષક તેને હૃદયપૂર્વક સ્વીકારીને પોતાના દૈનિક શૈક્ષણિક કાર્યમાં વણી ન લે ત્યાં સુધી તે પરિણામલક્ષી બની શકતી નથી. આથી, આ ઠરાવના આદેશોને સમજીને વર્ગખંડમાં તેની સચોટ અમલવારી કરવી એ આજના સમયમાં દરેક શિક્ષક માટે સર્વોચ્ચ ફરજ બની રહે છે.

          આ અભિયાન અંતર્ગત શિક્ષકે શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જ પોતાના વર્ગખંડ માટે એક સુદ્રઢ વાર્ષિક FLN કાર્યયોજના (Action Plan) તૈયાર કરવાની રહેશે. સાંપ્રત શૈક્ષણિક તરાહ મુજબ બેઝલાઇન, મિડલાઇન અને એન્ડલાઇન એસેસમેન્ટ માટેની કસોટીઓ રાજ્યસ્તરથી નિયત થઈને આવે તે સ્વાભાવિક છે, પરંતુ શિક્ષક તરીકે આપણે માત્ર આ સત્રાંત કસોટીઓ પર જ નિર્ભર ન રહેતાં વર્ગખંડ કક્ષાએ બાળકોની શૈક્ષણિક પ્રગતિની ચકાસણી સતત અને અવિરતપણે કરતા રહેવી પડશે. અગાઉના પરંપરાગત વાચન, લેખન અને ગણનના શૈક્ષણિક અભિયાનોમાં પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓને આપણે 'પ્રિય બાળકો' થી ઓળખતા હતા; પરંતુ આ બદલાતા શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં હવે સિદ્ધિ આધારિત વૈજ્ઞાનિક માપદંડો દ્વારા બાળકોનું ત્રણ સ્પષ્ટ જૂથમાં વર્ગીકરણ કરવામાં આવશે. જેમાં ટ્રેકરના વિધાનોના આધારે ૦ થી ૩૦ ટકા વિધાનોની સિદ્ધિ ધરાવતા બાળકો ‘ઉદયમાન’ કેટેગરીમાં, ૩૧ થી ૭૯ ટકા વિધાનોની સિદ્ધિ મેળવનારા બાળકો ‘પ્રગતિશીલ’ કેટેગરીમાં અને ૮૦ ટકા કે તેથી વધુ વિધાનોની સિદ્ધિ સાથે અપેક્ષિત સ્તર હાસલ કરનારા બાળકો ‘નિપુણ’ કેટેગરીમાં સ્થાન પામશે. આપણા આ રાષ્ટ્રીય મિશનનો આખરી ઉદ્દેશ્ય જ એ છે કે પ્રત્યેક બાળક પોતાના વય-જૂથ અનુસારના નિયત લર્નિંગ આઉટકમ્સ (LO) એટલે કે શૈક્ષણિક ક્ષમતાઓમાં સર્વાંગી નિપુણતા પ્રાપ્ત કરે. આ ધ્યેયને સાકાર કરવા માટે શિક્ષકે સતત મૂલ્યાંકન (Continuous Assessment) ની પ્રક્રિયા અપનાવીને આ ત્રણેય કેટેગરીના બાળકોની જરૂરિયાત અનુસારની અલગ-અલગ અને વિશિષ્ટ શૈક્ષણિક વ્યૂહરચનાઓ હાથ ધરવી પડશે. પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ચાલનારા ૫૫ દિવસના વિશેષ 'નિપુણ કેમ્પેઇન' થી માંડીને વર્ષાંત સુધી સતત ઉપચારાત્મક શિક્ષણ (Remedial Support) અને સ્તર મુજબના સઘન આયોજન દ્વારા જ દરેક બાળકને 'નિપુણ' સ્તર સુધી લાવવા માટે તમામ શિક્ષકે રોજેરોજ સઘન અને પરિણામલક્ષી પુરુષાર્થ કરવો પડશે.

            આજના આધુનિક યુગમાં ગોખણપટ્ટી આધારિત પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓ હવે અપ્રસ્તુત થઈ ચૂકી છે, તેથી ઠરાવમાં પણ ક્ષમતાલક્ષી અને પ્રવૃત્તિ-આધારિત શિક્ષણ (Competency Based Learning) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષકોએ વર્ગખંડમાં રમત-ગમત, વાર્તા વાંચન, કાવ્યગાન, પપેટ શો અને સ્થાનિક સંસાધનોમાંથી બનાવેલા શૈક્ષણિક રમકડાં (TLM) નો મહત્તમ ઉપયોગ કરીને બાળકકેન્દ્રી વાતાવરણ ઊભું કરવું પડશે. આ ઉપરાંત, શિક્ષણને માત્ર ચાર દીવાલો વચ્ચે સીમિત ન રાખતા, સામુદાયિક ચેતના જગાવવા માટે ઠરાવમાં સૂચવેલી સામાજિક પહેલો જેવી કે "મારું બાળક - નિપુણ બાળક" અંતર્ગત શાળામાં 'માતા જૂથ' ની રચના કરવી, દર પંદર દિવસે વાલીઓ સાથે શૈક્ષણિક સંવાદ સાધવો અને ઘરેલું શિક્ષણ (Home-based learning) માટે માતાઓને પ્રેરિત કરવી એ પણ શિક્ષકની મુખ્ય જવાબદારી બનશે. શાળા કક્ષાએ 'નિપુણ પખવાડિયું' અને 'નિપુણ ઉત્સવ' જેવા જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું નેતૃત્વ લઈને શિક્ષકો સમાજ અને વાલીઓને શિક્ષણની પ્રક્રિયા સાથે સીધા સાંકળી શકે છે.

           અંતે, આ મિશનના ત્રિ-વર્ષીય વાર્ષિક લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે એટલે કે વર્ષ ૨૦૨૬-૨૭ માં પાયાની સાક્ષરતામાં ૭૦% અને સંખ્યાજ્ઞાનમાં ૬૫% થી શરૂ કરીને વર્ષ ૨૦૨૮-૨૯ સુધીમાં તેને અનુક્રમે ૮૦% અને ૭૫% ના સ્તર સુધી પહોંચાડવા માટે શિક્ષકે આચાર્યશ્રીના સંકલનમાં રહીને દર મહિને બે વાર યોજાનારી શાળા સમીક્ષા બેઠકોમાં પોતાની વ્યૂહરચનાઓની આત્મ-સમીક્ષા કરવી પડશે. જ્યારે કોઈ શાળાના ૮૦% કે તેથી વધુ બાળકો તમામ પાયાના કૌશલ્યોમાં ઉત્કૃષ્ટ ગુણ મેળવીને ઉત્તીર્ણ થશે ત્યારે જ તે શાળા રાજ્ય સ્તરે 'નિપુણ શાળા' તરીકે ગૌરવવંતું સન્માન મેળવી શકશે. આમ, સાંપ્રત સમયની માંગ અને આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શિક્ષણ વિભાગનો આ ઠરાવ એક દિશાચિહ્ન સમાન છે, અને તેના સફળ અમલીકરણ દ્વારા ગુજરાતના શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની સૌથી પવિત્ર અને ઐતિહાસિક જવાબદારી આજે આપણા પ્રાથમિક શિક્ષકોના ખભા પર છે.

"નિપુણ ગુજરાત અભિયાન" ને સફળ બનાવવાની ચાવી શિક્ષકોના ઉત્સાહ, સચોટ આયોજન અને નિયમિત ઉપચારાત્મક કાર્યમાં છુપાયેલી છે. જો દરેક શિક્ષક વાલીઓ સાથે યોગ્ય સમન્વય સાધીને પ્રવૃત્તિમય શિક્ષણ આપશે, તો ગુજરાતનો પાયો ખરા અર્થમાં મજબૂત અને 'નિપુણ' બનશે એવો વિશ્વાસ છે.

લેખન - સોનલ ચૌહાણ, લેક્ચરર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ  

સંદર્ભ સ્ત્રોત : પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન માટે ત્રિર્ષીય નિપુણ ગુજરાત અભિયાન’, ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંક : ED/SSA/e-file/3/2026/3376/N તારીખ - 08-07-2026  

ઠરાવ - https://dietrjt.blogspot.com/ પરથી પણ મળી શકશે. સમયાંતરે નિપુણ ભારત અન્વયે અપડેઇટ જોવા મળશે. 

સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્ક : SQAAF (School Quality Assessment and Assurance Framework)

સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્ક : SQAAF

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના અમલીકરણના ભાગરૂપે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાકીય શિક્ષણની ગુણવત્તા અને વહીવટી સ્તરને વૈશ્વિક ધોરણોની સમકક્ષ લાવવા માટે એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ફ્રેમવર્ક અમલમાં મૂકવામાં આવ્યું છે, જે ‘સ્કોપ ૨.૦’ (SCOPE 2.0) એટલે કે SQAAF (School Quality Assessment and Assurance Framework) તરીકે ઓળખાય છે.

આ નવું માળખું એ કોઈ તદ્દન નવી પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાત સ્ટેટ ક્વોલિટી એસેસમેન્ટ કાઉન્સિલ (GSQAC) દ્વારા અગાઉ શાળાઓના મૂલ્યાંકન માટે સફળતાપૂર્વક હાથ ધરાયેલા 'ગુણોત્સવ' અને 'ગુણોત્સવ ૨.૦' (સ્કૂલ એક્રેડિટેશન) કાર્યક્રમનું જ એક અત્યંત વૈજ્ઞાનિક અને પ્રગતિશીલ અપગ્રેડેશન છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ ના પાવન અવસરે રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તેમજ શિક્ષણ મંત્રીશ્રીઓની ગરિમામય ઉપસ્થિતિમાં આ અદ્યતન ફ્રેમવર્ક અને તેની પુસ્તિકાનું વિધિવત વિમોચન કરવામાં આવ્યું હતું.

SQAAF (School Quality Assessment and Assurance Framework) ના મુખ્ય ઉદ્દેશ્યો અને લાક્ષણિકતાઓ:

·  ગુણવત્તાનું મૂલ્યાંકન (Quality Assessment): શાળામાં ભૌતિક સુવિધાઓ, શિક્ષણનું સ્તર, અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની ગુણવત્તાનું સચોટ મૂલ્યાંકન કરવું.

·    સ્વ-મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન: શાળાઓ પોતે પોતાની ત્રુટિઓ અને શક્તિઓ ઓળખી શકે (Self-Assessment) તેમજ તટસ્થ સંસ્થાઓ દ્વારા તેનું બાહ્ય નિરીક્ષણ કરી એક્રેડિટેશન (માનદ રેટિંગ) આપવામાં આવે.

·     જવાબદારી અને પારદર્શિતા: આ ફ્રેમવર્ક લાગુ થવાથી શાળાઓની વહીવટી અને શૈક્ષણિક પ્રક્રિયાઓ વધુ પારદર્શક બનાવવી. 
·     સતત સુધારણા (Continuous Improvement): જે શાળાઓ જે-તે માપદંડોમાં પાછળ છે, તેમને ચોક્કસ આયોજનબદ્ધ માર્ગદર્શન આપીને આગળ લાવવાનો આ ફ્રેમવર્કનો મુખ્ય હેતુ છે.

આ ફ્રેમવર્કનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના લક્ષ્યાંકોને અનુરૂપ રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું સચોટ આકલન કરી શિક્ષણના સ્તરને સતત સુધારવાનો છે.  આ ફ્રેમવર્કની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને શાળાઓના સર્વાંગી મૂલ્યાંકન માટે કુલ છ મુખ્ય ડોમેન (ક્ષેત્રો) માં વિભાજિત કરવામાં આવ્યું છે, જે શાળાના આખા માળખાને આવરી લે છે. આ છ ડોમેનમાં મુખ્યત્વે: (૧) શૈક્ષણિક પ્રક્રિયાઓ અને શિક્ષણનું સ્તર (Curriculum, Pedagogy and Assessment), (૨) શાળાની માળખાકીય અને ભૌતિક સુવિધાઓ (Infrastructure and Resources), (૩) માનવ સંસાધન અને શિક્ષકોનો વ્યાવસાયિક વિકાસ (Human Resources), (૪) શાળાનું નેતૃત્વ અને સુશાસન (Inclusive Practices and School Leadership), (૫) વિદ્યાર્થીઓનું નામાંકન, હાજરી અને તેમનો સર્વાંગી વિકાસ (Beneficiary Satisfaction), અને (૬) સમુદાય સહભાગીદારી તથા શાળા સંચાલન સમિતિ (SMC) ની સક્રિયતા જેવા મહત્વપૂર્ણ માપદંડોનો સમાવેશ થાય છે. આ છ ક્ષેત્રોના આધારે શાળાના દરેક પાસાની બારીકાઈથી ચકાસણી કરવામાં આવે છે, જેથી માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ શાળાનું આખું વાતાવરણ ગુણવત્તાયુક્ત બને.આ નવીન એક્રેડિટેશન પ્રક્રિયા અંતર્ગત દ્વિ-સ્તરીય મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેમાં શાળાઓએ સૌપ્રથમ ઓનલાઈન પોર્ટલ પર આપેલા માપદંડો મુજબ પોતાનું સ્વ-મૂલ્યાંકન (Self-Assessment) કરવાનું રહેશે. ત્યારબાદ GSQAC દ્વારા નિયુક્ત કરાયેલી તટસ્થ અને તજજ્ઞોની બાહ્ય નિરીક્ષક ટીમો દ્વારા શાળાની રૂબરૂ મુલાકાત લઈને પરામર્શ પૂર્વકનું તટસ્થ બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. આ પ્રક્રિયાના અંતે દરેક શાળાને તેની ગુણવત્તાના આધારે રેટિંગ કે એક્રેડિટેશન (માનદ ગ્રેડ) એનાયત કરવામાં આવશે.

આ સિસ્ટમનો મૂળ આશય કોઈ શાળાની ખામીઓ શોધીને તેને સજા કરવાનો નથી, પરંતુ શાળાઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરવાનો અને કયા ક્ષેત્ર કે ડોમેનમાં શાળા નબળી છે તે ઓળખીને તેને જરૂરી માર્ગદર્શન, તાલીમ અને સંસાધનો પૂરા પાડી આગળ લાવવાનો છે. આ ફ્રેમવર્ક આગામી સમયમાં ગુજરાતના છેવાડાના ગામડાની સરકારી શાળાના વિદ્યાર્થીને પણ ખાનગી શાળાઓ સમકક્ષ અને વૈશ્વિક સ્તરનું ઉત્કૃષ્ટ શિક્ષણ આપવાની દિશામાં રામબાણ સાબિત થશે.

લેખન - સોનલ ચૌહાણ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ

સ્ત્રોત : https://www.youtube.com/watch?v=nLzR0NopkZM&t=3833s

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૬ | તારીખ : 17-06-2026

 

વાચન ઝડપ (Reading Fluency/Reading Speed): અસરકારક અધ્યયનનો આધાર

વાંચન એ માત્ર શબ્દોને ઉચ્ચારવાની પ્રક્રિયા નથી, પરંતુ લખાણનો અર્થ સમજીને, યોગ્ય ગતિ અને અભિવ્યક્તિ સાથે વાંચવાની કળા છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં વાચન ઝડપ (Reading Speed) મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જો વિદ્યાર્થી ખૂબ ધીમે વાંચે છે, તો તે વાંચેલી સામગ્રીનો અર્થ સમજવામાં પાછળ રહી શકે છે. બીજી તરફ, જો વિદ્યાર્થી ખૂબ ઝડપથી પરંતુ અર્થ સમજ્યા વિના વાંચે, તો પણ વાંચનનો હેતુ સિદ્ધ થતો નથી. તેથી વાચન ઝડપ અને વાંચન બોધ (Reading Comprehension) વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.

વાચન ઝડપ એટલે શું?

વાચન ઝડપ એટલે વિદ્યાર્થી એક મિનિટમાં યોગ્ય ઉચ્ચાર, પ્રવાહિતા અને અર્થગ્રહણ સાથે કેટલા શબ્દો વાંચી શકે તે. વાચન ઝડપનું મૂલ્યાંકન સામાન્ય રીતે Words Per Minute (WPM) દ્વારા કરવામાં આવે છે.
સૂત્ર: વાચન ઝડપ = એક મિનિટમાં વાંચેલા કુલ શબ્દો

સારી વાચન ઝડપ શા માટે જરૂરી છે?

વાચન ઝડપમાં સુધારો થવાથી વિદ્યાર્થીમાં નીચે મુજબના લાભો થાય છે:

  • વાંચન પ્રત્યે આત્મવિશ્વાસ વધે છે.
  • પાઠ્યપુસ્તક સરળતાથી વાંચી શકે છે.
  • વાંચેલા વિષયને ઝડપથી સમજી શકે છે.
  • પરીક્ષામાં પ્રશ્નપત્ર વાંચવામાં ઓછો સમય લાગે છે.
  • સ્વઅધ્યયનની ટેવ વિકસે છે.
  • શબ્દભંડોળમાં વધારો થાય છે.
  • ભાષા પર પકડ મજબૂત બને છે.
  • અભ્યાસ પ્રત્યે રસ વધે છે.

સારી વાચન ઝડપને અસર કરતા પરિબળો

વાચનની ઝડપ અનેક પરિબળો પર આધાર રાખે છે. શિક્ષકે નીચે દર્શાવેલ પરિબળો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી બાળકના વાચન માટેની યોજના અને વાતાવરણ તૈયાર કરવું જોઇએ.

વિદ્યાર્થી સંબંધિત પરિબળો

  • અક્ષરજ્ઞાન
  • શબ્દભંડોળ
  • ઉચ્ચારણની ચોકસાઈ
  • વાંચનનો નિયમિત અભ્યાસ
  • આત્મવિશ્વાસ

પાઠ્યસામગ્રી સંબંધિત પરિબળો

  • ભાષાની સરળતા
  • અજાણ્યા શબ્દોની સંખ્યા
  • વાક્યરચનાની જટિલતા
  • અક્ષરોનું કદ
  • ફકરાની લંબાઈ

પર્યાવરણ સંબંધિત પરિબળો

  • શાંત વાતાવરણ
  • પૂરતો પ્રકાશ
  • શિક્ષકનું માર્ગદર્શન
  • વાંચન માટે પ્રોત્સાહન

વાચન ઝડપ અને વાચન બોધ વચ્ચેનો સંબંધ

વાચન ઝડપનો અર્થ માત્ર વાચ્ય સામગ્રીને ઝડપથી વાંચવી એમ નથી.

યોગ્ય વાચન એટલે = ઝડપ + શુદ્ધતા + અભિવ્યક્તિ + અર્થગ્રહણ
વાચન ઝડપ કરતાં વાચન બોધ (Reading Comprehension) વધુ મહત્વપૂર્ણ છે.
વિદ્યાર્થી જો વધુ ઝડપથી વાંચે પરંતુ અર્થ ન સમજે, તો તે અસરકારક વાચન ગણાતું નથી.
દા.ત. જો વિદ્યાર્થી 180 શબ્દો વાંચે પરંતુ અર્થ ન સમજે તો તે અસરકારક વાચન ગણાય નહીં.
તે જ રીતે 40 શબ્દો વાંચીને સંપૂર્ણ અર્થ સમજે તો પણ વધુ અભ્યાસ દ્વારા ઝડપ વધારવાની જરૂર રહે છે.

વાચન ઝડપ કેવી રીતે માપવી? અહીં દર્શાવેલ પ્રક્રિયા મેન્યુઅલી કરવાની છે. બાકી વાચન ઝડપ માટે તમે ORF એપ્લીકેશનનો ઉપયોગ તો કરો જ છો.

જરૂરી સામગ્રી

  • ધોરણને અનુરૂપ ફકરો
  • સ્ટોપવોચ
  • શબ્દ ગણતરી
  • મૂલ્યાંકન પત્રક

પ્રક્રિયા

  1. વિદ્યાર્થીને અજાણ્યો પરંતુ ધોરણને અનુરૂપ ફકરો આપો.
  2. એક મિનિટ સુધી વાંચવા કહો.
  3. કુલ વાંચેલા શબ્દો નોંધો.
  4. ભૂલોની સંખ્યા નોંધો.
  5. સાચા વાંચેલા શબ્દોની સંખ્યા નોંધો.
  6. વાંચેલા વિષય વિશે 2–3 પ્રશ્નો પૂછીને અર્થગ્રહણ ચકાસો.

 

વાચનનું મૂલ્યાંકન કરતી વખતે નીચેના ચાર પાસાઓ ધ્યાનમાં લેવા જોઈએ:

  1. શુદ્ધતા (Accuracy)શબ્દો યોગ્ય રીતે વાંચે છે કે નહીં.
  2. ઝડપ (Rate)એક મિનિટમાં કેટલા શબ્દો વાંચે છે.
  3. પ્રવાહિતા (Fluency)વિરામચિહ્નો, લય અને અભિવ્યક્તિ સાથે વાંચે છે કે નહીં.
  4. અર્થગ્રહણ (Comprehension)વાંચેલા લખાણનો અર્થ સમજે છે કે નહીં.

 

વાચન ઝડપ વધારવા માટેની પ્રવૃત્તિઓ

1. દૈનિક એક મિનિટનું વાંચન  - દરરોજ એક મિનિટ સુધી વાંચન કરાવી પ્રગતિ નોંધવી.
2. પુનરાવર્તિત વાંચન (Repeated Reading) - એક જ ફકરો ત્રણથી ચાર વખત વંચાવવો.
3. જોડી વાંચન - બે વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચે. પીઅર રીડીંગ ઉત્તમ રીત છે.
4. શિક્ષક મોડેલિંગ - શિક્ષક યોગ્ય લય અને અભિવ્યક્તિ સાથે વાંચીને બતાવે (આદર્શ વાચન).
5. સમયબદ્ધ વાંચન - એક મિનિટમાં વધુ સાચા શબ્દો વાંચવાનો પ્રયાસ.
6. શબ્દ ઓળખ રમતો - ફ્લેશ કાર્ડ, શબ્દપટ્ટી અને શબ્દ મેચિંગ પ્રવૃત્તિઓ.
7. વાર્તા વાંચન - રસપ્રદ વાર્તાઓ વાંચવાથી સ્વાભાવિક રીતે ઝડપ વધે છે.
 

શિક્ષકની ભૂમિકા

શિક્ષકે

  • નિયમિત વાંચન કરાવવું.
  • ભૂલો પર હકારાત્મક પ્રતિસાદ આપવો.
  • વિદ્યાર્થીની વ્યક્તિગત પ્રગતિ નોંધવી.
  • વાંચનને આનંદદાયક બનાવવું.
  • વાચન ઝડપ કરતાં અર્થગ્રહણને વધુ મહત્વ આપવું.

વાચન ઝડપ વધારવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો

ઝડપ માટે વિદ્યાર્થી પર અનાવશ્યક દબાણ ન કરવું.
પહેલા શુદ્ધ વાંચન, પછી ઝડપ.
દરેક વિદ્યાર્થીની ગતિ અલગ હોય છે.
નિયમિત અભ્યાસથી જ સુધારો થાય છે.
વાંચન સાથે અર્થગ્રહણની ચકાસણી અનિવાર્ય છે.

વાચન ઝડપ વિદ્યાર્થીના સમગ્ર શૈક્ષણિક વિકાસનો મહત્વપૂર્ણ આધાર છે. યોગ્ય ગતિ, શુદ્ધતા અને અર્થગ્રહણ સાથેનું વાંચન (સાર્થ વાચન) વિદ્યાર્થીને સ્વઅધ્યયન, વિચારશક્તિ અને અભિવ્યક્તિમાં સક્ષમ બનાવે છે. શિક્ષક દ્વારા નિયમિત અભ્યાસ, યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન દ્વારા દરેક વિદ્યાર્થીની વાચન ઝડપમાં નોંધપાત્ર સુધારો શક્ય બને છે. તેથી વાચન ઝડપને માત્ર એક કૌશલ્ય નહીં, પરંતુ જીવનભર શીખવાની ક્ષમતાનો પાયો માનવો જોઈએ.


લેખન - સોનલ ચૌહાણ, વ્યાખ્યાતા 

             જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ