પ્રાથમિક શિક્ષણના પાયાના વર્ષોમાં જ બાળકના મગજનો સૌથી વધુ વિકાસ થતો હોય છે, તે વૈજ્ઞાનિક બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકારના રાષ્ટ્રીય ‘નિપુણ ભારત’ મિશનના સાતત્યમાં રાજ્યમાં 'નિપુણ ગુજરાત અભિયાન' ને અત્યંત વેગવંતું અને પરિણામલક્ષી બનાવવામાં આવ્યું છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ ના પાવન અવસરે મંચ પરથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 'નિપુણ ગુજરાત' કાર્યક્રમની નવીન પુસ્તિકા, મોડ્યુલ અને માર્ગદર્શિકાનું વિધિવત વિમોચન કરવામાં આવ્યું હતું, જે રાજ્યના પ્રાથમિક શિક્ષણના ઈતિહાસમાં બાળકેન્દ્રી ગુણવત્તા સુધારણા માટેનો એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે. આ અભિયાનનો મુખ્ય અને પાયાનો લક્ષ્યાંક વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં ધોરણ ૧ થી ૩ માં ભણતા રાજ્યના તમામ બાળકો પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN - Foundational Literacy and Numeracy) પૂર્ણપણે હાંસલ કરે તે માટેનો ચોક્કસ સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મિશનનો આત્મા એ છે કે નક્કી કરાયેલા આ સમયગાળામાં બાળક માત્ર અક્ષરો કે અંકોની ગોખણપટ્ટી ન કરે, પરંતુ તે જે પણ કંઈ વાંચે છે તેનો સાચો અર્થ સમજી શકે એટલે કે 'સમજપૂર્વકનું વાંચન અને લેખન' (Reading and Writing with Understanding) તેનામાં વિકસે. આ જ રીતે ગણિતના ક્ષેત્રમાં પણ બાળક માત્ર પોપટીયું જ્ઞાન મેળવવાના બદલે રોજિંદા જીવનમાં ઉપયોગી એવા સાદા સરવાળા, બાદબાકી અને સંખ્યાઓની મૂળભૂત તાર્કિક સમજ મેળવીને પોતાની નાની-મોટી સમસ્યાઓનો ઉકેલ જાતે લાવી શકે તે કક્ષાની સક્ષમતા કેળવવાનો છે. પાયાના આ કૌશલ્યો જો પ્રારંભિક વર્ષોમાં જ પાકા થઈ જાય, તો આગળના ધોરણોમાં બાળકનો ડ્રોપ-આઉટ રેટ ઘટે છે અને તેનો ભણતરનો પાયો મજબૂત બને છે.
આ રાષ્ટ્રીય કાર્યક્રમને ગુજરાતના પ્રત્યેક વર્ગખંડમાં સફળ બનાવવા માટે પરંપરાગત નીરસ પદ્ધતિઓ છોડીને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અને રમત-ગમત સાથેના આનંદદાયક શિક્ષણ (Play-way method) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ હેતુસર, રાજ્યના શિક્ષકોને શૈક્ષણિક રીતે વધુ સજ્જ કરવા માટે વિશેષ ટીચર્સ હેન્ડબુક, આધુનિક લર્નિંગ ટૂલકિટ્સ અને આકર્ષક શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. રમત, વાર્તા અને પ્રવૃત્તિઓ દ્વારા લર્નિંગ આઉટકમ્સ (શૈક્ષણિક નિષ્પત્તિઓ) સિદ્ધ કરી, ધોરણ ૩ પૂર્ણ કરતાં સુધીમાં એટલે કે નિર્ધારિત સમય મર્યાદામાં રાજ્યનું દરેક બાળક અનિવાર્યપણે પાયાનું જ્ઞાન સર્વોચ્ચ નિપુણતાની કક્ષા સુધી મેળવી આત્મવિશ્વાસુ બને — એ જ આ નિપુણ ગુજરાત અભિયાનનો સાચો હાર્દ અને સંકલ્પ છે.
પ્રસ્તુતિકરણ - સોનલ ચૌહાણ, વ્યાખ્યાતા, ડાયટ - રાજકોટ
સ્ત્રોત : https://www.youtube.com/watch?v=nLzR0NopkZM&t=1004s
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૬ | તારીખ : 17-06-2026 નો સમારોહ
No comments:
Post a Comment