સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્ક : SQAAF
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના અમલીકરણના ભાગરૂપે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાકીય શિક્ષણની ગુણવત્તા અને વહીવટી સ્તરને વૈશ્વિક ધોરણોની સમકક્ષ લાવવા માટે એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ફ્રેમવર્ક અમલમાં મૂકવામાં આવ્યું છે, જે ‘સ્કોપ ૨.૦’ (SCOPE 2.0) એટલે કે SQAAF (School Quality Assessment and Assurance Framework) તરીકે ઓળખાય છે.
આ નવું
માળખું એ કોઈ તદ્દન નવી પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાત સ્ટેટ ક્વોલિટી
એસેસમેન્ટ કાઉન્સિલ (GSQAC)
દ્વારા અગાઉ શાળાઓના મૂલ્યાંકન માટે સફળતાપૂર્વક હાથ
ધરાયેલા 'ગુણોત્સવ' અને 'ગુણોત્સવ
૨.૦' (સ્કૂલ
એક્રેડિટેશન) કાર્યક્રમનું જ એક અત્યંત વૈજ્ઞાનિક અને પ્રગતિશીલ અપગ્રેડેશન છે.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ ના પાવન અવસરે રાજ્યના લોકલાડીલા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તેમજ શિક્ષણ મંત્રીશ્રીઓની ગરિમામય
ઉપસ્થિતિમાં આ અદ્યતન ફ્રેમવર્ક અને તેની પુસ્તિકાનું વિધિવત વિમોચન કરવામાં
આવ્યું હતું.
SQAAF (School Quality
Assessment and Assurance Framework)
ના મુખ્ય ઉદ્દેશ્યો અને
લાક્ષણિકતાઓ:
· સ્વ-મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન: શાળાઓ પોતે પોતાની ત્રુટિઓ અને શક્તિઓ ઓળખી શકે (Self-Assessment) તેમજ તટસ્થ સંસ્થાઓ દ્વારા તેનું બાહ્ય નિરીક્ષણ કરી એક્રેડિટેશન (માનદ રેટિંગ) આપવામાં આવે.
· જવાબદારી અને પારદર્શિતા: આ ફ્રેમવર્ક લાગુ થવાથી શાળાઓની વહીવટી અને શૈક્ષણિક પ્રક્રિયાઓ વધુ પારદર્શક બનાવવી.
· સતત સુધારણા (Continuous Improvement): જે શાળાઓ જે-તે માપદંડોમાં પાછળ છે, તેમને ચોક્કસ આયોજનબદ્ધ માર્ગદર્શન આપીને આગળ લાવવાનો આ ફ્રેમવર્કનો મુખ્ય હેતુ છે.
આ
ફ્રેમવર્કનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના
લક્ષ્યાંકોને અનુરૂપ રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું સચોટ આકલન કરી
શિક્ષણના સ્તરને સતત સુધારવાનો છે. આ
ફ્રેમવર્કની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને શાળાઓના સર્વાંગી મૂલ્યાંકન માટે કુલ
છ મુખ્ય ડોમેન (ક્ષેત્રો) માં વિભાજિત કરવામાં આવ્યું છે, જે શાળાના
આખા માળખાને આવરી લે છે. આ છ ડોમેનમાં મુખ્યત્વે: (૧) શૈક્ષણિક પ્રક્રિયાઓ અને
શિક્ષણનું સ્તર (Curriculum,
Pedagogy and Assessment), (૨) શાળાની માળખાકીય અને ભૌતિક સુવિધાઓ (Infrastructure and Resources),
(૩) માનવ સંસાધન અને શિક્ષકોનો વ્યાવસાયિક વિકાસ (Human Resources), (૪)
શાળાનું નેતૃત્વ અને સુશાસન (Inclusive
Practices and School Leadership), (૫) વિદ્યાર્થીઓનું નામાંકન, હાજરી અને
તેમનો સર્વાંગી વિકાસ (Beneficiary
Satisfaction), અને (૬) સમુદાય સહભાગીદારી તથા શાળા સંચાલન સમિતિ (SMC) ની
સક્રિયતા જેવા મહત્વપૂર્ણ માપદંડોનો સમાવેશ થાય છે. આ છ ક્ષેત્રોના આધારે શાળાના
દરેક પાસાની બારીકાઈથી ચકાસણી કરવામાં આવે છે, જેથી માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ શાળાનું આખું
વાતાવરણ ગુણવત્તાયુક્ત બને.આ નવીન એક્રેડિટેશન પ્રક્રિયા અંતર્ગત દ્વિ-સ્તરીય
મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવામાં આવી છે,
જેમાં શાળાઓએ સૌપ્રથમ ઓનલાઈન પોર્ટલ પર આપેલા માપદંડો મુજબ પોતાનું
સ્વ-મૂલ્યાંકન (Self-Assessment)
કરવાનું રહેશે. ત્યારબાદ GSQAC
દ્વારા નિયુક્ત કરાયેલી તટસ્થ અને તજજ્ઞોની બાહ્ય નિરીક્ષક ટીમો દ્વારા શાળાની
રૂબરૂ મુલાકાત લઈને પરામર્શ પૂર્વકનું તટસ્થ બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. આ
પ્રક્રિયાના અંતે દરેક શાળાને તેની ગુણવત્તાના આધારે રેટિંગ કે એક્રેડિટેશન (માનદ
ગ્રેડ) એનાયત કરવામાં આવશે.
આ સિસ્ટમનો મૂળ આશય કોઈ શાળાની
ખામીઓ શોધીને તેને સજા કરવાનો નથી,
પરંતુ શાળાઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરવાનો અને કયા ક્ષેત્ર
કે ડોમેનમાં શાળા નબળી છે તે ઓળખીને તેને જરૂરી માર્ગદર્શન, તાલીમ અને
સંસાધનો પૂરા પાડી આગળ લાવવાનો છે. આ ફ્રેમવર્ક આગામી સમયમાં ગુજરાતના છેવાડાના
ગામડાની સરકારી શાળાના વિદ્યાર્થીને પણ ખાનગી શાળાઓ સમકક્ષ અને વૈશ્વિક સ્તરનું
ઉત્કૃષ્ટ શિક્ષણ આપવાની દિશામાં રામબાણ સાબિત થશે.
લેખન - સોનલ ચૌહાણ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ
સ્ત્રોત : https://www.youtube.com/watch?v=nLzR0NopkZM&t=3833s
કન્યા
કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૬ | તારીખ : 17-06-2026
2 comments:
Very informative. Thank you for sharing
Thank you.
Post a Comment